કાર્તિક શેઠ

શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં પૃથ્વીભૂષણ નામના નગરમાં એક કાર્તિક નામના શેઠ વસતા હતા. તે ગામમાં એકદા ગરિક નામે એક તાપસ આવ્યો. તે માસોપવાસના પારણે માસોપવાસ કરતો હતો. તેના તપની ભારોભાર પ્રશંસા થતી હતી. તેથી આખું નગર તેનાં દર્શને આવતું અને લોકો તેનાં દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. 


પણ તે તાપસ મિથ્યાત્વી હોઈ કાર્તિક શેઠ તેના દર્શને ન ગયા. શુદ્ર આત્માઓ પોતાને કોણે આદર આપ્યો અને કોણે ન આપ્યો તેનું ખાસ ધ્યાન રાખે છે. આ ઐરિક તાપસે પણ કાર્તિક શેઠ પોતાને દર્શને નથી આવ્યા તેનું ધ્યાન રાખ્યું અને મનથી આ કાર્તિક શેઠને પણ ગમે તેમ કરીને પોતાને નમાવવાનો પ્રબળ વિચાર કર્યો.


તે નગરના રાજા પણ તાપસને વંદન કરવા આવ્યા, અને તાપસને પારણું કરવા પોતાના મહેલે પધારવા આમંત્રણ આપ્યું. તાપસે જો કાર્તિક શેઠ તેને પીરસે જમાડે તો તમારે ત્યાં પારણા માટે આવું એવી શરત કરી, પારણા માટે રાજમહેલે આવવા હા કહી. રાજાએ તે શરત કબૂલ કરી, અને પારણાના દિવસે કાર્તિક શેઠને પોતાના મહેલમાં બોલાવી તાપસ આવે ત્યારે તેમને પીરસવા-જમાડવા હુકમ કર્યો. 


કાર્તિક શેઠ આવા હુકમથી બહુ ખિન્ન થયા. કારણ કે પોતે વ્રતધારી શ્રાવક હતા. પોતાના સમ્યકત્વ અને વ્રતને બાધા પહોંચી હતી.પણ રાજઆજ્ઞાનો અનાદર કરવો મુશ્કેલ છે તેમ સમજી રાજાને જણાવ્યું કે તમારો હુકમ છે તેથી તેમને જમાડીશ.


પારણા માટે ઠરાવેલા સમયે ઐરિક તાપસ રાજમહેલે આવ્યો, અને પોતાને ન રુચતું હોવા છતાં કાર્તિક શેઠે તાપસને પીરસવા માંડ્યું. પીરસતાં તેઓ નીચા નમ્યા. તે જાણી કેવો નમાવ્યો છે, એમ સમજી તાપસને આનંદ થયો અને પોતાના નાક ઉપર આડી આંગળી ઘસી કેવું નાક કાપ્યું! એવી શેઠને સંજ્ઞા કરી 


શેઠને ઘણું લાગી આવ્યું. પોતાને ઘણું દુઃખ થયું. જો આ પહેલાં દીક્ષા લીધી હોત તો આ પરાભવનો વખત ન આવત. સંસારમાં જ રહેવાથી તેનું આ ફળ છે. એવા વિચારે ચડી ગયા, અને ઘરે આવી પોતાના સગાંસંબંધી, મિત્રો તથા વેપારી વર્ગમાં પોતે દીક્ષા લેશે તે વાતની જાણ કરી. એમની આ વાતની સજ્જડ અસર થઈ અને તેમની સાથે એક હજાર શેઠિયાઓ અને શ્રેષ્ઠ પુત્રોએ દીક્ષા લીધી, અને બાર વર્ષ સુધી ચારિત્ર પાળી, દ્વાદશાંગીના જ્ઞાતા થઈ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ દેવલોકમાં સૌધર્મ નામના ઇદ્ર થયા. 


ઐરિક પણ ઘણું ઘોર પણ મિથ્યાત્વ તપ કરી પોતે તે જ સૌધર્મ દેવલોકમાં ઈન્દ્રનું વાહન ઐરાવત હાથી થયો. નવા ઉત્પન્ન થયેલા તે દિવ્ય હાથીએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે તે કાર્તિક શેઠ જ અવસાન પામી ઈન્દ્ર થયેલ છે. તેથી તેણે ઈન્દ્રને સવારી ન કરવા દેવા ઘણાં તોફાનો કર્યા અને ભાગવા લાગ્યો. પણ ઈન્દ્ર પોતાના સામર્થ્યથી તેને પકડ્યો. ઈન્દ્રને હરાવવા પોતાની દૈવી શક્તિથી હાથીઓ બે રૂપ કર્યા. ઇન્દ્ર પણ બેરૂપ કર્યા હાથીએ ચાર તો ઈન્દ્ર પણ ચાર રૂપ કર્યા એમ બન્ને પોતાનાં રૂપ વધારતા ગયા. આ તમાશાથી ઇન્દ્ર થોડી વાર તો વિચારમાં પડી ગયા પણ પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે આ તો ઐરિક તાપસનો જીવ છે. એટલે મૂળ હાથી ઉપર ચડી ગર્જના કરતાં કહ્યું -

રે ઐરિક! જરાક તો સમજ. સમજણ વગરનાં આટલા તપ-અનુષ્ઠાન નિષ્ફળ ગયાં. હવે અહીં તારું શું ચાલે એમ છે?”


છેવટે ઈન્દ્રના પ્રતાપને નહીં સહી શકતાં તેના વચન સાંભળી નમ્ર બન્યો અને તેમના કહ્યા પ્રમાણે વર્તવા લાગ્યો. ઈન્દ્ર બનેલા કાર્તિક શેઠનો જીવ એક અવતાર કરી મોક્ષે જશે.


આ વાર્તામાં કાર્તિક શેઠે રાજ આજ્ઞાથી પોતાના લીધેલ વ્રતને તથા સમ્યકત્વને બાધા પહોંચતી હોવા છતાં રાજ આજ્ઞા પ્રમાણે અનિચ્છાએ વર્યા. આ અંગે જાણવું જરૂરી છે કે જિનેશ્વર દેવોએ સમ્યકત્વના વિષયમાં અપવાદ માર્ગે છ આગારો બતાવ્યા છે.


(૧) રાજાની આજ્ઞાએ (૨) માતા-પિતાની આજ્ઞાએ (૩) આજીવિકાના કારણે કોઈ ગણસમૂહ કે પંચ આદિના આગ્રહથી (૪) કોઈદેવતાના દબાણથી (૫) કોઈ બળવાનની બળજોરીથી (૬) ગુરુની આજ્ઞાથી. એમ છ પ્રકારે થનારી આપવાદિક પ્રવૃત્તિની છૂટ રાખવામાં આવે છે. અર્થાત્ સમ્યકત્વની સ્વીકૃતિ વખતે આ છ આગારો મોકળા રખાય છે. આગારના હિસાબે અહીં કોઈ નિયમનો ભંગ થયેલો ગણાય નહીં.


જૈન શાસનના ચમકતા સિતારા

➖➖➖➖➖➖➖➖➖ 

Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા