સ્નાત્ર પૂજા







|| સ્નાત્રપૂજા-રાજકુમાર નંદિષેણ ||

જિનેશ્વર ભગવાનનો વિશ્વમાં જોટો ન જડે. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે ભગવાનનું શરીર ગુણોમાંથી બન્યું છે. પ્રભુના પ્રત્યેક રોમરાજીમાંથી ઝરે છે તે શું છે ? કરુણા અને પ્રેમ. જગતના સર્વ જીવો પર કરુણા અને જગતના સર્વ જીવો પર પ્રેમ. 

જેના દર્શનથી આત્માની પાંખડી ખૂલી જાય તેવા જિનેશ્વર ભગવાનને સ્નાત્રપૂજામાં વંદન કરવામાં આવ્યા છે. 'કુસુમાભરણ' નામની ગાથામાં શી રીતે સ્નાત્ર ભણવવાનું છે તેની સૂચના મળે છે. સ્નાત્રપૂજામાં શું અમૃતભર્યું છે તે જાણી લો. ભગવાનને સિંહાસન પર બિરાજમાન કરશો ત્યારે પ્રતિમા પરથી પુષ્પો, આભૂષણો વગેરે ઉતારવાના છે. આ બધું કાર્ય વિવેકપૂર્વક કરવાનું છે. 

વીરવિજયજી મહારાજ સ્નાત્રપૂજામાં શીખવે છે. ઉત્તમ ભાવના ભાવવાની છે. ક્યાંક વિવેક ચૂકવાનો નથી. સ્નાત્રપૂજા એટલે ભગવાનના જન્મોત્સવનું ગાન. વીરવિજયજી સ્વયં સાધુપુરુષ છે. સ્વયં મહાપુરુષ છે. ઉત્તમ ગ્રંથોના લેખક છે. દુનિયાને શ્રેષ્ઢ આપનારા છે. પહેલા શ્લોકમાં જિનેશ્વર ભગવાનનું વર્ણન છે. બીજા શ્લોકમાં કેવી રીતે વિધાન કરશો તે કહે છે. 

આ જિનેશ્વર ભગવાનની સ્નાત્રપૂજા છે. એ સરળતાથી વહે છે. મહાન રચનાકાર સુંદર વાર્તા કરતા જાય છે. ઓછા શબ્દોમાં ઘણું કહેવાનું કૌશલ્ય એમને હસ્તગત છે. સર્જન હંમેશાં પ્રગતિ કરે છે. આજના વિશ્વમાં એક નવો પ્રયોગ શરૃ થયો છે. છ જ અક્ષરોમાં આખી વાર્તા લખી નાખવાની આ કલા છે. લાઘવનું આ કલા કૌશલ્ય વીરવિજયજીને હસ્તગત છે. 

સ્નાત્ર એટલે ? સંસારી માટે સ્નાન પણ એ ભગવાનની વાત છે એટલે સ્નાત્રનો અર્થ અભિષેક. ભગવાનનો અભિષેક કરીએ ત્યારે આપણામાં પણ તેવા ગુણો થાય તે ભાવના જાગવી જોઈએ. આદિનાશ ભગવાનના સમયમાં ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. આપણને એ આંકડો વિશાળ લાગે છે. અમેરિકાથી કમાઈને આવેલો માણસ ડોલરને ૫૦ રૃ. મા ગુણવા માંડે એના જેવું. અમેરિકામાં રહેનારાને તો ડોલર રૃપિયા જેવો લાગે છે. 

આદિનાથ ભગવાનના જમાનામાં જે યુગલિકો હતા તેમની મહાનતા જુઓ : ૮૪ લાખ પૂર્વના વિરાટ આયુષ્યમાં એકપણ ખરાબ કામ નથી કરતા ! એક પૂર્વ એટલે શું એ સમજી લો. ૮૪,૦૦૦૦૦ ને ૮૪,૦૦૦૦૦ સાથે ગુણીએ અને જે જવાબ આવે તેને પૂર્વ કહેવાય. આટલા વિરાટ આયુષ્યમાં આ જીવો એક પણ પાપ નથી કરતા ! અને, આપણી વાત શું કરવી ? ૫૦ કે ૧૦૦ વર્ષના આપણાં આયુષ્યમાં દૂર્ગતિ થઈ જાય છે ! એક વાર જાતને પૂછો ને, આપણે ક્યારે પાપ નથી કરતાં ? ચારિત્ર ઉદયમાં ક્યારે આવે ? એ માટે સદ્ભાગ્ય જોઈએ. 

રાજકુમાર નંદિષેણની વાત જાણો છો ? એ જમાનામાં એના જેવો કોઈ વીણાવાદક નહોતો. જંગલમાં જઈને વીણા વગાડે તો તમામ પશુ-પંખી ભેગા થઈ જાય. નગરમાં આવીને વીણા વગાડે તો તમામ સ્ત્રીઓ પાગલ થઈ જાય. શ્રેણિક મહારાજાનો હાથી સેચનક ગાંડો થયો અને નંદિષેણની વીણા સાંભળી તો શાંત થઈ ગયો. આવા રાજકુમારને વૈરાગ્ય થયો એટલે રવાના મહાવીર સ્વામી પાસે જઈને કહ્યું કે મને દીક્ષા આપો. સાધુપદ એટલે શું ? એ સાધુ થાય એને ખબર પડે. 

નંદિષેણ ઉત્તમ સાધુ બની ગયા. નંદિષેણની આરાધનાનો પ્રભાવ ફેલાયો. દેવતાઓએ તેમને લબ્ધિ આપી. એક દિવસ બપોરે નંદિષેણ વહોરવા નીકળ્યા. ઉનાળાનો તડકો કહે મારું કામ, રસ્તામાં એક વિશાળ ઘર આવ્યું. ગણિકાનું ઘર, ગણિકા ઝરૃખામાં ઉભેલી, ગણિકાએ સાધુને જોયા. જુવાન સાધુ ! દાસીને મોકલીને ઘરમાં તોડયા. નંદિષેણ મુનિ આવીને કહે, ' ધર્મલાભ' ગણિકા કહે, 'મુનિ અહીં ધર્મલાભ નહીં, અર્થલાભ જોઈએ.' એ હસી. નંદિષેણે તેમાં પડકાર જોયો. દીવાલ પર બાંધેલો દોરીનો છેડો એમણે ખેંચ્યો તો લાખો સોનૈયાનો ઢગલો થયો ! 

ગણિકા ચમકી. એણે સાધુના પગ પકડી લીધા. કહ્યું કે 'તમને જવા નહીં દઉં. મારી સાથે લગ્ન કરો.' ગણિકાના દેહમાંથી લાવણ્ય ઝરતું હતું. નંદિષેણ રોકાયા. પણ એમણે કહ્યું કે હું રોજ ૧૦ જણાંને ધર્મ માર્ગે વાળીશ. કલ્પના કરો કે નંદિષેણ કેવા પ્રવચન કુશળ હશે કે વેશ્યાના ઘરમાં હોવા છતાં દરરોજ ૧૦ જણાંને ધર્મમાર્ગે વાળે છે અને એ પણ લગાતાર ૧૨।। વર્ષ સુધી ! 

એક દિવસ નંદિષેણને એવો માણસ ભટકાયો કે તેમની વાત માનતો નથી ! વેશ્યા બોલી : ' આજે દસમા તમે !' અને, નંદિષેણનું આત્મસત્વ જાગી ગયું. જેનું આત્મસત્વ ઝળહળે છે તેને સંસારનો કોઈ અંધકાર છૂપાવી શક્તો નથી. નંદિષેણ પુન:સાધુ બનીને આત્મ કલ્યાણ પામી ગયા. 

આપણું આયુષ્ય ૧૦૦૦ વર્ષનું છે કે ૮૪ લાખ પૂર્વનું તે ભૂલી જાવ. માત્ર સારા કામ કરવાની ટેવ પાડો. ભગવાનના અને સદ્ગુરુના શરણમાં જાવ. સદ્ વિચારના શરણમાં જાવ. સદ્પ્રવૃત્તિના શરણમાં જાવ. પૂજ સંગ્રહ સરસ ગ્રંથ છે. એમાં માત્ર પૂજાઓ નથી પણ ભગવાનનું ધર્મ તત્વ, ભગવાને કહેલી કથાઓ, ધર્મનો સદુપદેશ વગેરે બધું જ એમાં છે. 

તમે કલ્પના કરી શકો છો કે જૈન ધર્મ શા માટે છે ? જૈન ધર્મ આત્માના કલ્યાણ માટે છે. સંસારની વાતને અહીં કોઈ સ્થાન નથી. ભગવાન શું કહે છે ? ભગવાન કહે છે કે સમ્યકદર્શન, સમ્યકજ્ઞાાન, સમ્યકચારિત્ર, સમ્યક્તપની આરાધના કરીને કર્મમુક્ત થાઓ. ભગવાનનું વચન હોય પછી બીજું શું જોઈએ ?

Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

કાર્તિક શેઠ