નવકાર મહામંત્ર

 નવકારનો મહિમા અને ફળ


                    નવકાર મંત્ર આ લોક અને પરલોક એમ બંને લોકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથ સૂત્રમાં કહેલું છે કે , ભાવથી નવકાર ગણતાં ચોર , સિંહ , સર્પ , પાણી અગ્નિ બંધન , રાક્ષસ , સંગ્રામ , રાજભય વગેરે ભયો જતા રહે છે. 


                     બીજા ગ્રંથોમાં પણ કહેલું છે કે , " પુત્રાદિકના જન્મ વખતે પણ નવકાર ગણવો. કે જેથી તે નવકારના ફળથી ૠદ્ધિવંત થાય.  મરણ વખતે આ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્દગતિએ જાય. આપદા વખતે પણ નવકાર ગણવો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે છે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની ઋદ્ધિ વિસ્તાર પામે. 


                     નવકારના એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે. નવકારના એક પદથી પચાસ સાગરોપમ પાપોનો ક્ષય થાય છે. આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે.


                     વિધિ પૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજા કરીને જે ભવ્ય જીવ એક લાખ નવકાર ગણે તો તે પ્રાણી વગર શંકાએ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. આઠ કરોડ , આઠ લાખ , આઠ હજાર , આઠસો આઠ ( 8,08,08,808 ) નવકાર ગણે તે પ્રાણી ખરેખર ત્રીજે ભવે મોક્ષ પદને પામે છે."


                     શંખાવર્ત , નંદાવર્ત , વિપરીતાક્ષર , વિપરીત પદ અને વિપરીત નવકાર લક્ષ વાર ( 1 લાખવાર ) ગણે બંધન , શત્રુભય , પ્રમુખ કષ્ટ સત્વર જાય છે. જેનાથી કરજાપ ન થઈ શકે તેણે સૂતર , રત્ન , રૂદ્રાક્ષ વગેરેની જાપ માળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી શરીરને કે પહેરેલાં વસ્ત્રને સ્પર્શે નહિ તે રીતે તેમજ મેરુને નહિ ઉલ્લંઘન કરતા જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે જે , " આંગળીના અગ્રભાગથી , મેરુ ઉલ્લંઘન કરવાથી અને વ્યગ્રચિત્તથી કરાયેલો જાપ પ્રાયે અલ્પ ફળ આપનાર હોય છે."


                   નવકારની પાંચ પદની કે નવપદની અનાનુપૂર્વી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે. યોગપ્રકાશના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે ,


" અરિહંત , સિદ્ધ , આયરિય , ઉવજ્ઝાય , સાહૂ " એ સોળ અક્ષરની વિદ્યા બસોવાર જપે તો એક ઉપવાસનું ફળ પામે છે.    


" અરિહંત સિદ્ધ " એ છ અક્ષરનો મંત્ર ત્રણસોવાર અને " અરિહંત " એ ચાર અક્ષરનો મંત્ર ચારસો વાર અને ( અરિહંતમાં રહેલો પ્રથમ વર્ણ ) ' અ ' ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે.

Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

કાર્તિક શેઠ