સાધર્મિક ભક્તિ

એક કંપનીમાં બોસ દર 25 ડિસેમ્બરના રોજ એનાં 300 માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને 3 લાખ જમા કરતા અને એમાં પોતાના તરફથી 3 લાખ ઉમેરીને 6 લાખની લોટરી ડ્રો કાઢતા. એમાં જેમનું નામ નિકળતું એને 6 લાખ બક્ષિસરૂપે મળતાં. એ કંપનીમાં ઝાડુ-પોતા કરવાવાળી બાઈને રૂપિયાની બહુ જરૂર હતી. એનાં દિકરાનું ઓપરેશન કરવાનું હતું. લોટરી એક જુગારની રમત હતી. એને લોટરી ન લાગે તો દેખીતી રીતે એને હજાર રૂપિયાનું નુકસાન થાય તેમ હતું. છતા એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે. મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઈનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને પોતાની કાપલી પર પોતાના નામને બદલે કામવાળી બાઈનું નામ લખીને કાપલી બોક્ષમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઈનામ કામવાળી બાઈને જ લાગે. આમ તો 300 માણસમાં પોતાનું નામ જતું કરવાથી ઈનામ કામવાળી બાઈને જ લાગે એવી શક્યતા બહુ ઓછી હતી. છતા એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયા બાદ લોટરીના ડ્રો નો સમય આવી પહોંચ્યો. બોસે એક કાપલી કાઢી. કામવાળી અને મેનેજર બંન્નેની ધડકન વધી ગઈ. કોનું નામ નિકળશે? એની આતુરતાથી રાહ જોઈ રહ્યા. એકજ પળમાં બોસે વિજેતાનું નામ ઘોષિત કર્યું અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઈનું હતું. એની આંખમાં હરખના આંસુ છલકાઈ ગયા. એણે એની આંખમાં આંસુ સાથે કહ્યું કે હવે મારા દિકરાને કોઈ ભય નથી, હું મારા દિકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહુ નસીબદાર છું. મારા પર ભગવાનની અસીમ કૃપા છે. મેનેજર અમસ્તા જ લોટરી બોક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યા અને કૌતુક ખાતર તેમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઈનું જ નામ હતું. તેમણે ત્રીજી કાપલી કાઢીને જોઈ તો એ ચકરાઈ ગયા. ત્રીજીમાં પણ કામવાળી બાઈનું જ નામ હતું. પછી તો એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેક કાપલીમાં કામવાળી બાઈનું જ નામ લખેલું હતું એમની છાતી ગર્વથી ફુલાઈ ગઈ. ઓફિસના બધા કર્મચારીએ મૂક રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહત તો લોટરી ડ્રો કર્યા વગર કામવાળી બાઈને હાથમાં રોકડ રકમ આપીને મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતા એમણે કામવાળી બાઈને પોતાના હક્કની રકમ મળી હોય એવી રીતે મદદ કરી. હમેંશા યાદ રાખજો જ્યારે કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો અહેસાસ ન થાય અને એનું માન જળવાય, એવી રીતે મદદ કરશો તો ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.  

Comments