કાર્તિક શેઠ
શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં પૃથ્વીભૂષણ નામના નગરમાં એક કાર્તિક નામના શેઠ વસતા હતા. તે ગામમાં એકદા ગરિક નામે એક તાપસ આવ્યો. તે માસોપવાસના પારણે માસોપવાસ કરતો હતો. તેના તપની ભારોભાર પ્રશંસા થતી હતી. તેથી આખું નગર તેનાં દર્શને આવતું અને લોકો તેનાં દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. પણ તે તાપસ મિથ્યાત્વી હોઈ કાર્તિક શેઠ તેના દર્શને ન ગયા. શુદ્ર આત્માઓ પોતાને કોણે આદર આપ્યો અને કોણે ન આપ્યો તેનું ખાસ ધ્યાન રાખે છે. આ ઐરિક તાપસે પણ કાર્તિક શેઠ પોતાને દર્શને નથી આવ્યા તેનું ધ્યાન રાખ્યું અને મનથી આ કાર્તિક શેઠને પણ ગમે તેમ કરીને પોતાને નમાવવાનો પ્રબળ વિચાર કર્યો. તે નગરના રાજા પણ તાપસને વંદન કરવા આવ્યા, અને તાપસને પારણું કરવા પોતાના મહેલે પધારવા આમંત્રણ આપ્યું. તાપસે જો કાર્તિક શેઠ તેને પીરસે જમાડે તો તમારે ત્યાં પારણા માટે આવું એવી શરત કરી, પારણા માટે રાજમહેલે આવવા હા કહી. રાજાએ તે શરત કબૂલ કરી, અને પારણાના દિવસે કાર્તિક શેઠને પોતાના મહેલમાં બોલાવી તાપસ આવે ત્યારે તેમને પીરસવા-જમાડવા હુકમ કર્યો. કાર્તિક શેઠ આવા હુકમથી બહુ ખિન્ન થયા. કારણ કે પોતે વ્રતધારી શ્રાવક હતા. પોતાના સમ્યકત્વ...